મંગળવાર, 18 જુલાઈ, 2017

ખેડૂતોને એક પત્ર

 "ખેડૂત મજબૂત તો દેશ મજબૂત"

ખેડૂત ભાઇઓ અને બહેનો, 
          નમસ્કાર. આપ સૌને જણાવતાં આનંદ થાય છે કે આપણા ખેડૂત સમાજને સંગઠીત કરવા માટે  "ગુર્જર કિસાન સંઘ" નામની બંધારણ મુજબ લોકશાહી ઢબે ચાલતી  એક રાજ્યવ્યાપી સંસ્થાની રચના કરવાનું વિચારેલ છે.જેને આપ સૌ વધાવી લેશો અને તેને સફળતાના શિખરે પહોંચાડશો તેવી અપેક્ષા છે.
     ભાઇઓ-બહેનો, હાલ આપણે વ્યવસ્થિત રીતે સંગઠીત નથી. જે કોઇ સંગઠનો છે તે રાજકીય પ્રેરિત અને છૂટાંછવાયાં છે. કેટલાંક સંગઠનો સ્થાનિક સમસ્યાઓના નિરાકારણ માટે બને છે અને સમાપ્ત પણ થઇ જાય છે.કોઇ એવું સંગઠન નથી કે જે ગ્રામ્યથી માંડીને રાજ્ય કક્ષા સુધી ધબકતું રહીને સંગઠીત હોય.પરિણામે આપણે આપણા હક્કો માટે પાછા પડીએ છીએ અને યોગ્ય રજૂઆત કરી શકતા નથી. આપણી સમસ્યાઓનો યોગ્ય નિકાલ લાવી શકતા નથી તેમજ ધાર્યું પરિણામ મળતું નથી.કારણ, આપણે યોગ્ય રીતે સંગઠીત નથી.આજે આપણે જોઇએ છીએ કે કર્મચારીઓ અને વેપારીઓનું મજબૂત સંગઠન હોવાથી તેઓ પોતાના પ્રશ્નોની યોગ્ય રજૂઆત કરી શકે છે અને ધારી સફળતા પણ મેળવે છે.
         આપણે સંગઠીત તો નથી સાથે આપણા પ્રશ્નો અને રજૂઆતો કે કોઇ કાર્યક્રમો બાબતે પણ સ્પષ્ટ હોતા નથી. આડેધડ સમજ્યા વિચાર્યા કે વિચાર-વિમર્શ કર્યા વગર આંદોલનો કરીએ છીએ જે ફાયદા કરતાં નુકશાન વધુ કરે છે. હમણાંનો એક તાજો દાખલો આપું. હમણાં કેટલાક સંગઠનોએ ડેરીઓમાં દૂધ નહીં ભરવાનું અને  શહેરો તરફ જતી દૂધની ટેન્કો રોકવાનો કાર્યક્રમ આપ્યો હતો. આ સંગઠનોએ એ ન વિચાર્યું કે આ કાર્યક્રમથી સૌથી વધારે નુકસાન તો ખેડૂતોને જ થવાનું છે.આપણે જાણીએ છીએ કે આજે મોટાભાગનો ખેડૂત સમાજ દૂધના વ્યવસાયને કારણે ટકી રહ્યો છે.એક ટંકનું  દૂધ પણ ઘરે રાખવું પોષાય તેમ નથી.પરિણામે આ કાર્યક્રમનો ફિયાસ્કો થયો. 
      ભાઇઓ-બહેનો, આપણું સંગઠન કેવું હશે ? કેવી રીતે કામગિરી કરશે ? કેવી રીતે રજૂઆતો કરશે ? તેની રચના કેવી રીતે થશે ? વગેરે બાબતે મેં મનોમંથન કરેલ છે. કેટલાય દેશી અને વિદેશી સંગઠનો અને આંદોલનોનો અભ્યાસ કરેલ છે.તેના ફલસ્વરૂપે કિસાનોના હિત માટે અને તેઓની સમસ્યાઓના નિરાકારણ  માટે આ પ્રકારની એક કાયમી સંસ્થા સ્થાપવાનો નિર્ણય કરેલ છે.તો આપ સૌ આપણા આ પવિત્ર કામમાં જોડાશો અને આપણી સંસ્થાને વેગવંતી બનાવશો એવી આશા રાખું છું.
       આ સંસ્થા માટે સૌ પ્રથમ આપણે સામાન્ય સભ્યોની નોંધણી કરવી પડશે. આ માટે સભ્યોની નોંધણી કરી શકે તેવા સાદા, સરળ, નિષ્ઠાવાન અને પ્રામાણિક ભાઇ-બહેનોની જરૂર પડશે તેમજ હાલ તાલુકા અને જિલ્લા લેવલે આ કામ પર નજર રાખે તેમજ આ કામને વેગવંતુ બનાવે તેવા ખેડૂત કાર્યકરોની જરૂર પડશે.
       હાલ આ સંસ્થાનું સૂચિત બંધારણ મૂકી રહ્યો છું.જેમાં આપ સુધારા - વધારા સૂચવી શકો છો. આ માટેનું ફોર્મ પણ આપેલ છે.જેમાં યોગ્ય વિગતો ભરીને આપ મોકલી શકોશો. સાથે એક સર્વે ફોર્મ આપેલ છે. જેમાં આપ કેવી જવાબદારી લેવા માંગો છો ? તેની વિગત ભરીને મોકલવાની છે.તેમજ એક સંપર્ક ફોર્મ છે તેમાં આપનું કોઇ સૂચન કે ખેડૂતોની સમસ્યાઓ કે પ્રશ્નો લખી મોકલવાના છે. બંધારણ સંપૂર્ણ થયા બાદ અને અપેક્ષિત સભ્યોની નોંધણી થયા બાદ સામાન્ય સભા બોલાવીને બંધારણ મંજૂર કરીને તેના રજીસ્ટ્રેશનની કાર્યવાહી કરવામાં આવશે.આ કામ રાતોરાત કે કોઇ એક વ્યક્તિથી થવાનું નથી.આ કામ ધીરજ, ધગશ અને પરિશ્રમ માંગી લે તેવું છે. જેથી સાવચેતીપૂર્વક અને ધીરજ રાખીને આપણે સૌએ સ્વેચ્છાએ આ કામ ઉપાડી લેવાનું છે.બસ, દરેકે મનમાં ગાંઠ વાળવાની છે કે આ કામ પૂરું કરીને જ જંપીશું.
      ખેડૂત ભાઇઓ-બહેનો, ત્યાં સુધી અહીં મૂકવામાં આવતી માહિતી વાંચો અને સમજવાનો પ્રયત્ન કરો. આ સંગઠનને લગતી તમામ માહિતી અને કાર્યક્રમો કે એજન્ડા અહીં જ મૂકવામાં આવશે જેથી આ બ્લોગના સંપર્કમાં રહેવું અને બીજા મિત્રોને પણ જાણ કરવી અને જાગૃત કરવા.ખેડૂતોના સંતાનો અને  નિવૃત્ત કિસાન કર્મચારીઓ પણ આ કામમાં જોડાય તે ખૂબ જ ઇચ્છનીય છે. જેથી આપણા કામને વેગ મળે. 
     આપણા બંધારણ મુજબ કોઇપણ રાજકીય પક્ષના સભ્ય આપણા સંગઠનના સામન્ય સભ્ય તો થઇ શકે છે.પરંતુ સક્રીય સભ્ય થઇ કારોબારીમાં ઉમેદવારી કરી શકતા નથી. જો તેવા સભ્યોએ આ સંગઠનમાં જોડાવાની ઇચ્છા ધરાવતા હોય તો પ્રથમ જે તે પક્ષમાંથી રાજીનામું આપવું પડે ત્યારબાદ તેઓ જોડાઇ શકે છે. સાથે જ જેઓ નાણાંની ઉચાપતમાં સંડોવાયા હોય તેઓ પણ આ સંસ્થાના સક્રિય સભ્ય બની શકતા નથી.
      ભાઇઓ-બહેનો આ પવિત્ર કાર્યમાં આપ સૌની સાથે પરમતત્વ પરમાત્મા આપણને પ્રેરણા આપે અને  મદદરૂપ થાય તેવી પ્રાર્થના સાથે અસ્તુ, જય હિન્દ, જય કિસાન - જય જય ગરવી ગુજરાત ! 
                             આપનો શુભેચ્છક.
                                     હરિભાઇ પટેલ  

નોંધ: આપણા આ બ્લોગને ઇન્ટરનેટ પર શોધવા માટે ગુજરાતીમાં ગુર્જર કિસાન સંઘ લખીને સર્ચ કરવાનું રહેશે. જો અંગ્રેજીમાં શોધ કરવી હોય તો તેનું URL લખીને શોધી શકાશે. આ બ્લોગનું URL આ મુજબ છે. gurjarkisan.blogspot.com 
     જ્યારે ઇમેઇલ આઇડી આ પ્રમાણે છે. gurjarfarmer@gmail.com

મોબાઇલ નંબર- ૯૪૨૯૯૬૬૮૬૦
    યાદ રાખો: આપણી આ સંસ્થાનું નામ ગુર્જર કિસાન સંઘ, ગુજરાત છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

અગત્યની પોસ્ટ વાંચો

ખેડૂતોને એક પત્ર

ગુર્જર કિસાન સંઘ બ્લોગ શરૂ કર્યા તારીખ

૧૮ મી જુલાઇ,૨૦૧૭ ને મંગળવાર

ગુર્જર કિસાન સંઘ ગુજરાતના ફ્લેગવાર મુલાકાતીઓ

Flag Counter