બુધવાર, 19 જુલાઈ, 2017

ગુજરાતના ખેડૂતોના પ્રાણ પ્રશ્નો

ગુજરાતના ખેડૂતોને નડતી કેટલીક મુખ્ય સમસ્યાઓ અને મૂંઝવતા પ્રશ્નો:
ખેડૂત મજબૂત તો દેશ મજબૂત

1. ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો મળતા નથી.
2. સરકાર તરફ્થી જે કંઇ ટેકાના ભાવો નક્કી થાય છે.તે અગાઉંથી અને સમયસર (વાવણી સમયે) જાહેર થતા નથી.ખેતપેદાશો વેચાયા બાદ થાય છે. જેનો લાભ તમામ ખેડૂતોને મળતો નથી.

3. અમુક ખેતપેદાશોના ટેકાના ભાવો  નક્કી કરતા અધિકારીઓ  કચેરીઓમાં બેઠાં બેઠાં ભાવ નક્કી કરે છે. એમાં કોઇ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ થતો નથી. જેથી ટેકાના ભાવો હમેશાં ખર્ચના પ્રમાણમાં પૂરતા કે યોગ્ય હોતા નથી. 
4. ખેતપેદાશોના ટેકાના ભાવો નક્કી કરવામાં ખેડૂત પ્રતિનિધિઓનો સમાવેશ કરાતો નથી.
5. ખેત પેદાશોના સરકારે નક્કી કરેલા ભાવો બજારમાં ન મળતાં ખેડૂતો તરફ્થી ઉગ્ર રજૂઆતો થાય ત્યારે જ સરકાર મોડી મોડી જાગીને ખરીદ કેન્દ્રો ધીમેધીમે શરૂ કરે છે,ત્યાં સુધીમાં મોટાભાગના કિસાનોની ખેત પેદાશો ઓછા ભાવે બજારમાં વેચાઇ ચૂકી હોય છે.જેથી મોટાભાગના કિસાનો ટેકાના ભાવથી વંચિત રહી જાય છે.
6. બિયારણો અને રાસાયણિક ખાતરો તેમજ દવાઓ ભેળસેળયુક્ત અને હલકી ગુણવત્તાવાળી હોય છે.જેથી ખેત ઉત્પાદન ઓછું અને ખર્ચ વધી જાય છે.(હમણાં સરકારી તપાસ કરતાં ૬૦ થી ૬૫ % બિયારણ, રાસાયણિક ખાતરો અને દવાઓ શંકાસ્પદ જણાતાં સબંધિત ખાતાએ વિક્રેતાઓ અને ઉત્પાદકોને નોટીસ  પાઠવી ખુલાસો માંગેલ હતો.)
7. પાકવિમાના પ્રિમિયમના દરો ઊંચા હોય છે અને ક્લેમ મંજૂર કરતી વખતે વિમા કંપનીઓ ગલ્લાં-તલ્લાં કરે છે.સમયસર વિમાની રકમ ચૂકવતી નથી કે ઓછી ચૂકવે છે.
8. ખેતી વિષયક વીજ જોડાણો સમયસર મળતાં નથી.  તેની કોઇ સીમા કે મર્યાદા નક્કી નથી.
9. ખેતીનાં જોડાણોના નામ ફેર કે સ્થળ ફેરના કિસ્સાઓમાં પણ એક વર્ષ ઉપરાંતનો સમય જતો હોય છે.તેની પણ કોઇ સમય મર્યાદા નક્કી નથી.ગ્રાહકના અવસાન બાદ વારસાઇ તરીકે આવતા નામ ફેરફારમાં પણ લાંબી પ્રક્રિયા ચાલે છે અને ખોટી ફી પણ વસૂલાય છે.પરિણામે ખેડૂતો નામ ફેર કરવાનું ટાળે છે.નામ ફેરમાં પણ નવીન વીજકનેકશનની જેમ તમામ દાખલાઓ જોડવા પડે છે.
10. ખેતી વિષયક નવીન વીજ જોડાણ, નામ ફેર કે સ્થળ ફેરની અરજીઓમાં ૭/૧૨ કે ૮-અ માં આવેલા તમામ ખેડૂતોની સંમતી  માંગવામાં આવે છે.જે યોગ્ય નથી.ઘણીવાર તો મોટા સર્વે નંબરો કે બ્લોગોમાં એટલા બધા ખેડૂતોના નામો ચાલે છે કે સંમતી પત્રક લાવવામાં જ ખેડૂત થાકી જાય છે.કારણ,ખેડૂતના પરિવારમાં ન હોય કે બોર/કૂવામાં કે વીજ જોડાણમાં ભાગીદારી ન ધરાવતા  હોય કે મરણ પામેલા હોય પણ વારસાઇ ન થઇ હોય તેવા ખેડૂતો પાસે સંમતી લેવામાં ખેડૂતોનો નાકે દમ આવી જાય છે. ઘણીવાર તો સંમતીપત્રકમાં સહી લેવા માટે પણ  નાણાં આપવાં પડે છે.એટલું જ નહીં કેટલાક તો સહી કરવાની પણ ના પાડે છે.જેને લીધે ખેડૂતોનાં કામો વિલંબમાં પડે છે.આમ, હાલ ચાલતી તમામ ખેડૂતોની સંમતી લેવાની આ પ્રથા બંધ થવી જોઇએ અને સંમતીપત્રકમાં ફક્ત પોતાના પરિવારના નજીકના સગાઓની જ સંમતી લેવાય તેવા નિયમો હોવા  જોઇએ.
11. પાણી વગરના તમામ વિસ્તારોમાં સિંચાઇનું પાણી પહોંચતુ નથી. સિંચાઇના સમાન દરે પાણી મળતું નથી. સિંચાઇ યોજનાઓ મંથર ગતિએ ચાલે છે.
12. કિસાનોને વગર વ્યાજે લોન મળી રહે તેવી સુવિધા નથી.
13. કિસાનોને લોન માટે ધરમધક્કા ખાવા પડે છે.લોનની પદ્ધતિ સરળ નથી.
14. કુદરતી આફતો કે પાક નિષ્ફળતા જેવી વિકટ પરિસ્થિતિઓમાં લોન માફી કે લોનને બીજા વર્ષે ભરવાની  કે નાના હપતાઓમાં ભરવાની સુવિધા મળતી નથી.
15. સિનિયર સીટીજન કિસાનોને સરકાર તરફથી પેન્શનની સુવિધા અપાતી નથી.
16. કિસાનોનાં સંતાનોને શિક્ષણ ફી-માફીની સુવિધા મળતી નથી.
17. કિસાનોના ખેતરે જઇને તેઓને ખેતી વિષયક વિવિધ માર્ગદર્શન મળી શકે તેવી કોઇ સુવિધા નથી.
18. ખેડૂતોને શાકભાજીના યોગ્ય ભાવો મળતા નથી.
19. શાકભાજીના ભાવોમાં દલાલી કે એજન્ટપ્રથા બંધ થતી નથી.
20. સબસીડી કે સહાય મેળવવા માટેના અરજદારોના પ્રમાણમાં લાભાર્થીઓની સંખ્યા ઘણી ઓછી (નહિવત્) હોય છે. સરકાર ઓનલાઇન લાખો ખેડૂતોને વિવિધ સબસીડી અને સહાય મેળવવા માટેની અરજીઓ કરાવે છે,સપનાં બતાવે છે જેથી સહાય મળવાની આશાએ ખેડૂતો ખર્ચા કરે છે.પણ લાભ મળે છે થોડાક જ ખેડૂતોને.
21. ઘણીવાર ખેતીનાં નાનાં સાધનોમાં માંડ રૂ. ૫૦૦-/ કે ૧૦૦૦-/ ની સહાય મળતી હોય પણ વિવિધ દાખલા મેળવવાના ખર્ચા એટલા વધી જતા હોય છે કે આવાં સાધનો ખેડૂતો બજારમાંથી સીધા જ ખરીદી લેવાનો આગ્રહ રાખે છે.દા.ત. સ્પ્રેયરપંપ કે તાડપત્રી. હાલ આ માટે ૭/૧૨ અને ૮-અ ના ઉતારા રજુ કરવાથી જ તુર્તજ આવાં નાનાં સાધનો સબસીડી સાથે મળી રહે તેવી સુવિધા નથી.
22. ડ્રીપ કે ફુવારા જેવી સૂક્ષ્મ સિંચાઇની મળતી સહાય કે સબસીડી સાધનોની MRP કિંમતના આધારે વિક્રેતાઓને ચૂકવાય છે જે યોગ્ય નથી. આવાં સાધનોની બજાર વેચાણ કિમત શું છે ? તેના આધારે જ વિક્રેતાઓને સબસીડી ચૂકવવી જોઇએ.જેથી ખેડૂતોને પ્રમાણમાં ઓછી કિંમત ચૂકવવી પડે અને સાધન-સમગ્રી પણ વધુ મળે.
23. આઇ ખેડૂત પોર્ટલ દ્વારા મળતાં વિવિધ ખેતીનાં કે પશુપાલનનાં નાનાં મોટાં સાધનોના વિક્રેતાઓની જે કિંમત પોર્ટલ પર નક્કી કરવામાં આવે છે.તે સીધી ખરીદી કરતાં વધારે હોય છે.પરિણામે સબસીડી કે સહાયનો પૂરેપૂરો લાભ ખેડૂતોને મળતો નથી,પરંતુ વિક્રેતાઓને જ મળે છે
24. પાકના રક્ષણ માટે વ્યક્તિગત ખેતર ફરતે ફેન્સી તાર લગાવવાની યોજના સામૂહિક ખેડૂતો માટે કરેલ છે.જેને લિધે ઘણા ખેડૂતોનેને આ સહાયનો લાભ મળતો નથી તેમજ જે ખેડૂતોને મંજૂરી મળે છે તેમને પણ સમયસર સહાય મળતી નથી.
25. વિવિધ ખેત પેદાશો પર મૂકવામાં આવતી નિકાસ બંધી દૂર કરવામાં આવતી નથી તેમજ  આયાતી ખેત પેદાશો પર આયાતી ડ્યુટી વધારવામાં આવતી નથી.
26. ખેતીના સાધનો અને સૂક્ષ્મ સિંચાઇના સાધનો પર GST (જીએસટી) લગાવવામાં આવેલ છે.જેથી આવાં સાધનોની કિંમતમાં વધારો થયો છે.GST (જીએસટી) ના આ દરો દૂર કરવા જોઇએ અને આવાં સાધનો પર શૂન્ય ટકા  GST (જીએસટી) હોવો જોઇએ.
27. ખેડૂતોની ખેત પેદાશોની સ્થાનિક કક્ષાએ  ખરીદી થાય તેવી કોઇ સુવિધા નથી.
28. જ્યારે શાકભાજીના અમુક પાકો કે ખેતપેદાશોના અમુક પાકોના ભાવો તળીયે બેસી જતાં  ખેડૂતો તરફથી ઉગ્ર રજૂઆતો થાય ત્યારે જ સરકાર તરફથી ક્યારેક બોનસ જાહેર કરવામાં આવે છે જે મોટાભાગની પેદાશો વેચાયા બાદ જાહેર કરવામાં આવે છે.જેથી મોટાભાગના ખેડૂતોને આ બોનસનો લાભ મળતો નથી.(ખાસ કરીને આંદોલનો કરનાર અને સરકારનું ધ્યાન દોરનાર ખેડૂતોની ખેત પેદાશો તો અગાઉંથી જ વેચાઇ ચૂકી હોય છે.) આવા સંજોગોમાં સરકાર પોતાની વિવેકબુદ્ધિથી સ્વેચ્છાએ અને સમયસર બોનસ જાહેર કરતી નથી. 
29. આકસ્મિક વીજ શોર્ટસરકીટ, આગ,પવનને કારણે થતા નુકસાન તેમજ  માવઠું કે નહેર વગેરેનાં પાણી ઊભા પાકોમાં ઘૂસી જતાં થતા પાક નુકસાન માટે ખેડૂતને કોઇ વળતર મળતું નથી. આ માટે કાયદો બનવો જોઇએ.
30. કેન્દ્ર સરકારે ગુજરાતની ચૂટણી સમયે કિસાનોને વગર વ્યાજે કૃષિલોન આપવાની જાહેરાત કરી હતી, જે કાગળ પર રહી.હાલ આવો કોઇ લાભ મળતો નથી.
31. કિસાનોની આવક બમણી કરવાની વાતો કરી પણ કોઇ અમલ થયો નથી.
32. સ્વામીનાથન સમિતિએ ૨૦૦૬ માં સરકારને રિપોર્ટ આપ્યો હોવા છતાં આજદિન સુધી તેનો સંપૂર્ણપણે અમલ થતો નથી.
     ખેડૂત મિત્રો, આ બ્લોગ પર આપેલ સ્વામિનાથન સમિતિનો પૂરો રિપોર્ટ જુઓ. 
                ખેડૂત મિત્રો, આપ પણ આપને કે આપના વિસ્તારમાં નડતી સમસ્યાઓ કે પ્રશ્નો સંપર્ક ફોર્મમાં લખીને મોકલી આપો.જેનો સમાવેશ ઉપર જણાવેલ સમસ્યાઓમાં કરાશે. જેથી આપણા ખેડૂત મિત્રોને અને સરકારને પણ આપણી સમસ્યાઓની જાણ થાય.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

અગત્યની પોસ્ટ વાંચો

ખેડૂતોને એક પત્ર

ગુર્જર કિસાન સંઘ બ્લોગ શરૂ કર્યા તારીખ

૧૮ મી જુલાઇ,૨૦૧૭ ને મંગળવાર

ગુર્જર કિસાન સંઘ ગુજરાતના ફ્લેગવાર મુલાકાતીઓ

Flag Counter